સુખ આપણી અંદર જ છે -જીવન જીવવા માટે નો નવો દૃષ્ટિકોણ

સુખ આપણી અંદર જ છે -જીવન જીવવા માટે નો નવો દૃષ્ટિકોણ

13th April 2019 7 By Dr.Viral Shah

આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.

આજે બહુ દિવસ પછી એક સારો વિચાર આપ લોકો ની સાથે શેર કરું છું. હમણાં થોડા દિવસ પહેલા જ એક સરસ વિચાર વિષે સાંભળવા અને વાંચવા મળ્યું. એ કંઇક આ મુજબ હતું.

पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् ।
मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ॥

પૃથ્વી ઉપર ૩ રત્નો છે. અન્ન,પાણી અને સુભાષિત. અન્ન અને પાણી નું દાન તો સૌ કોઈ કરે છે જેમકે આપણે કોઈક ભોજનાલય માં દાન આપીએ અથવા કોઈ ગરીબ ને કે જરૂરિયાત વાળા માણસ ને જમાડીએ, પાણી નું પણ એવું જ છે. આપણે પાણી માટે પરબ બંધાવીએ છીએ પરંતુ જે ત્રીજું રત્ન છે સુભાષિત- સારા વિચારો  તેનું દાન અથવા વહેંચણી બહુ ઓછા લોકો કરે છે. કહેવાય છે કે પાણી માણસ ના શરીર માં ૨૪ કલાક ટકે છે. અન્ન માણસ ના શરીર માં ૭૨ કલાક રહે છે પરંતુ સુભાષિત- સારો વિચાર એ માણસ ના જીવન માં આખી જિંદગી ટકે છે. તેનામાં કોઈક માણસ ની આખી જિંદગી બદલવાની ક્ષમતા છે. મને જણાવતા આનંદ થાય છે કે letsbuilddestiny- આ સારો વિચારો નું દાન કરવાની પ્રવુતિ કરે છે. અને તમે સૌ મારી સાથે જોડાઈ ને આ પ્રવૃતિ કરી રહ્યા છો.

ચાલો તો આગળ વધીએ આજ ના વિચાર સાથે.

મંગળવાર નો દિવસ હતો હું મારા રોજ ના સમયે હોસ્પિટલ થી પાછો ઘરે જઈ રહ્યો હતો. ગાડી એની ગતિ એ જતી હતી અને મારી ગાડી માં પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા ની કોઈક ને કોઈક સીડી વાગી રહી હોય. આ વખતે એમની અમૃત વર્ષા ની સીડી વાગી રહી હતી. સારા વિચારો લેતા હું જઈ રહ્યો હતો ત્યાં જ મારા એક કોલેજ કાળ ના મિત્ર નો ફોન આવ્યો. સામે છેડે એનો અવાજ થોડો ઢીલો લાગ્યો અને એને મને કહ્યું કે “ આજે રાત નો શું પ્લાન છે?”

મેં કહ્યું “હમણાં તો કંઈ ખાસ નથી રોજ ની જેમ જ જમવા નું અને દીકરી ને આંટો મરાવવાનો”

એને કહ્યું “ તો આજે તું,ભાભી અને મારી નાની દીકરી રીયાંશી  ને લઇ ને જમવા  નું આપણા ઘરે છે. ના હું સાંભળવાનો નથી. કોઈ જ દલીલ ના જોઈએ.આવી જાઓ અને હા તારું મનપસંદ જમવાનું બનાવડાવીશ. આવી જજો બસ”

મેં કહ્યું: “ ઓકે ભાઈ રાતે મળ્યા.”

કોલેજ માં અમે સદા સાથે જ રહેતા અને આ મિત્ર મારા માટે મારા ભાઈ જેવો જ હતો . એટલો બધા ભાવ થી બોલાવી રહ્યો હતો કે ના પાડવી શક્ય જ નહતી. પ્રેમભાવ એ એક લાગણી છે જેની દરેક માણસ ને જરૂર છે. આપણા સૌનો અનુભવ હશે જ.લગ્ન ના પ્રીતિ ભોજન, જેમાં આપણે એક લાઈન માં ઊભા રહેવાનું આપણી ડીસ લઇ ને અને સામે વાળો માણસ આપણા ને ૨ પૂરી મૂકે અને થોડી જ દાળ આપે. આપણે કહેવું પડે કે ભાઈ હજી ૨ પૂરી મૂકી દેજો. અને બીજી બાજુ ભલે રાજાશાહી ભોજન ન હોય પરંતુ હું જે કઈ કહું છે તેની કલ્પના કરતા જજો. તમે જ્યારે તે માણસ ના ઘરે જાઓ ત્યારે તે તમને એક આસન બિછાવી આપે, તમારા માટે તાંબા ની સરસ થાળી મૂકે અને તેમાં ભરેલા રીંગણ નું શાક અને રોટલો જ આપે . પંખો ના હોવાથી તમને ગરમી ના લાગે તે માટે પોતે તમને પવન નાંખતો હોય અને તમને આગ્રહ કરી ને જમાડે કે “ભાઈ લેજો હો. આ શાક માટે આજે હું બજાર માંથી સારા રીંગણ જોઈ ને લાવ્યો છું”. ગરમાં ગરમ રોટલો અને શાક અને પછી કહે “તમને છાશ ભાવશે? મજા આવશે ઊભા રહો હમણાં બનાવી દઈએ”. એટલો બધો પ્રેમભાવ આદર સાથે જમાડે તમને કે તમે એના માટે શબરી ના ત્યાં આરોગવા આવેલા શ્રી રામ જ છો.

બોલો હવે તમને વધારે ક્યાં જમવા નું ફાવશે? પ્રેમભાવ બહુ જ અગત્ય ની વસ્તુ છે.

તો નક્કી કરેલા કાર્યક્રમ મુજબ હું મારી નાની દીકરી અને મારા પત્ની અમે તેના ઘરે પહોંચી ગયા.

બહુ સમય પછી મળ્યા હતા એટલે મળવાનો અનેરો ઉત્સાહ હતો. થોડી વાર પછી અમે બંને એના ઘર ની અગાશી માં બેઠા અને વાતો નો પ્રવાહ ચાલુ કર્યો.

વાતો માં એને મને કહ્યું કે “ આજે બધું સારું છે પરંતુ અમુક માણસો ને લીધે દુઃખ પણ થાય છે. ઘણી વાર તો એવું લાગે છે કે એ લોકો જ મારા દુઃખ નું કારણ છે. કોઈ સમય સંજોગ એવા આવી જાય છે કે દુઃખી થઇ જવાય છે.

મેં એને પૂછ્યું: “તને એમ લાગે છે કે આ સમય સંજોગો અને કોઈ એક માણસ ના લીધે તું દુઃખી થાય છે કે સુખી થઇ જઈશ?”

એને કહ્યું “હા, મારો અનુભવ છે કે અમુક માણસો સાથે હોઉં ત્યારે બધું સારું લાગે અને સુખ લાગે જ્યારે અમુક માણસો સાથે હોઉં ત્યારે મને કંઈ ગમે જ નહિ. દુઃખ લાગ્યા કરે અને હું માનું છું તેમાં.”

પછી મેં એને મારા વિચાર શેર કરતા કહ્યું કે ભાઈ મને તો લાગે છે આપણા સુખ ને દુખ નું કારણ આપણે પોતે જ છીએ. પછી મેં એને સમજાવ્યું કે માની લે કે કોઈ એક માણસ તને મહેલ માં રાખે અને તને મોટી મોંઘી ગાડી માં ફેરવે.તારું મનપસંદ જમવાનું આપે અને તને જે જોઈએ તે આપે પરંતુ જો તુ મન થી જ પોતાને દુખ છે તેમ માની લઇશ તો તને સુખી કરવાની તાકાત કોઈ ના માં નથી.

Happiness is within you

એના થી વિપરીત કોઈ તને ગમે તે કહે કે તારું અપમાન પણ કરે પરંતુ જો તું મન થી સુખી જ છું એમ રાખીશ તો તને દુઃખી કરવાની તાકત કોઈ ના માં નથી. કોઈ પણ વ્યક્તિ કે સંજોગ આપણા દુઃખ નું કે સુખ નું કારણ હોઈ જ ના શકે.

હા એટલું ચોક્કસ છે કે જીવન છે એટલે સુખ દુઃખ તો આવા ના જ છે અને એ જીવન નો એક ભાગ જ છે. પરંતુ કહેવાય છે ને કે સમય ગમે તેટલો ખરાબ હશે એ જવાનો જ છે અને સમય સારો હશે તો એ પણ જવાનો છે,માટે સારા સમય માં પણ વિપરીત પરિસ્થિતિ માટે તૈયાર રહો.

ઘણીવાર આપણા દુઃખ કારણ આપણે કોઈ ની પાસે રાખેલી અપેક્ષા, આપણા પૂર્વગ્રહ હોય છે. આપણા ને લાગે કે આ માણસ મારા માટે એટલું તો કરશે જ અથવા એને આમ તો કરવું જ જોઈએ પણ એ એમ ના થાય ત્યારે આપણે દુઃખી થઇ જતા હોઈએ છીએ.આ પહેલા પણ હું અપેક્ષા પર લખી ચુક્યો છે જે વાંચવા માટે અહિયાં ક્લિક કરો.

આપણે અમુક માણસો ને જોયા હશે કોઈ પણ પરિસ્થિતિમાં હસતાં અને આનંદ માં જ હોય .શું તેમની જિંદગી માં કોઈ તકલીફ જ નહિ હોય ? ઘણા માણસો જેમને હું મળી ચુક્યો છું તેઓ અનેક મુશ્કેલીઓ હોવા છતાં સદાય આનંદ માં જ રહે છે. હાસ્ય ને તેમની જીવન માં વણી લીધું હોય છે.

બીજો કોઈ છે જ નહિ જે આપણા ને સુખી કરી શકે અથવા દુઃખી કરી શકે. તે આપણા પોતાનો દૃષ્ટિકોણ છે.

સુખ અને દુખ એ આપણા મન માં છે. નરસિંહ મહેતા તો લખ્યું પણ છે

સુખ-દુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં
–નરસિંહ મહેતા.

એક મૂર્તિ ઘડનાર શિલ્પકારને એક માણસે પૂછ્યું  ““ એક પત્થરમાંથી તું આટલી સુંદર મૂર્તિઓનું સર્જન કેવી રીતે કરી શકે છે ?”

શિલ્પકારે જવાબ આપ્યો :” અરે ભાઈ , આ મૂર્તિઓ અને એના આકાર આ પત્થરમાં  પહેલેથી છુપાએલા જ હોય છે .  હું તો માત્ર જરૂર વગરના પથ્થરના જે ભાગ હોય છે એને મારા ટાંકણાની મદદથી હટાવી દુર કરું છું અને મૂર્તિ દેખાઈ આવે છે .”

તમારું સુખ પણ તમારી અંદર જ છુપાયું હોય છે .ફક્ત તમારી ચિંતાઓને હટાવી દુર કરો એટલે તમારામાં છુપાએલા સુખનાં તમને દર્શન થશે.

Happiness Searching

તમે નક્કી કરી લો કે તમારે સુખી થવું છે કે બધું હોવા છતાં ફરિયાદ કરી ને દુઃખી થવું છે.જીવન માં બસ ફરિયાદ કરવાનું બંધ કરી દો. સુખી થવું કેવળ ને કેવળ આપણા હાથ માં છે. જો તમે ધારો તો વિપરીત સંજોગો માં પણ તમે સુખી જીવન જીવી શકો છો. નિર્ણય તમારો છે. સુખી થવાનો એક બીજો સરળ રસ્તો પણ એ છે હમેશાં તમારી પાસે જે કઈ છે તેના માટે ભગવાન નો આભાર માનો.

મારા મિત્ર એ કહ્યું “ વાહ ભાઈ વાત તો બિલકુલ સાચી છે. એ મારી અપેક્ષા અને પૂર્વગ્રહો છે જે મને દુઃખી કરે છે. મજા આવી ગઈ..આવો સરસ વિચાર હું બધા ને જરૂર શેર કરીશ.

બસ હવે આજ થી પ્રયત્નો ચાલુ કરી દઈશ . જીવન ને નવા દૃષ્ટિકોણ થી જોઈશ. હાસ્ય સાથે અમારી વાતો ચાલતી જ હતી ત્યા જ રસોડા માંથી અવાજ આવ્યો કે “ચાલો હવે બહુ વાતો કરી જમવા નું તૈયાર છે આવી જાઓ.”

પછી શું સુખી થવું હોય તો પત્ની ની વાત તો માનવી જ પડે ને. ચાલો એક હાસ્ય સાથે આપણે અહિયાં જ આપણી વાત પૂરી કરીએ.

વાત ગમી હોય અને મારી વાત સાથે સંમત હોય તો શેર જરૂર કરજો. આપનો અભિપ્રાય પણ નીચે જરૂર જણાવશો.

સદા હસતાં રહો.સદા સુરક્ષિત રહો.સદા આનંદિત રહો. સદા હકારાત્મક રહો.

Your Wish
7320cookie-checkસુખ આપણી અંદર જ છે -જીવન જીવવા માટે નો નવો દૃષ્ટિકોણ

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.5 / 5. Vote count: 4

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?