
પતંગ મારો એક ગુરુ
આપ સૌનું letsbuilddestiny માં ખુબ સ્વાગત કરું છું. એક ઘણા લાંબા વિરામ બાદ ફરીથી આપણી આ યાત્રા આગળ વધારવા નો સમય આવી ગયો છે.
ઘણા સમય થી બહુ બધા વિચારો આપની સાથે શેર કરું છું અને હજુ ઘણા બધા શેર કરવા છે અને આ યાત્રા નિરંતર ચાલતી રહે એવી એક આશા સાથે આજે એક સરસ વિચાર શેર કરું છું.
મારા ઘણા બધા મિત્રો અને તમારા જેવા અમૂલ્ય પ્રેમ આપવા વાળા મારા વાચકો એ મને કહ્યું કે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો તમે એના પર કંઇક લખો અમે આતુરતા થી રાહ જોઈશું. કંઇક જીવન માં મળતી નવી શીખ વિષે જરૂર થી લખો.
આજે દિવસ છે ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ નો બસ હવે ૧ જ દિવસ પછી ઉત્તરાયણ. આપણા બધા નો મન ગમતો તહેવાર. આજે એના વિષે જ વાત કરીશું.
ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે અમે બધા મિત્રો એ લગભગ ૧૫ દિવસ પહેલાથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. મેસેજ અને ફોન પર તૈયારી ના ભાગ રૂપે રોજ ની વાતો કંઇક આ પ્રમાણે થતી. શું કરીશું, કોના ઘરે મળીશું અને કોણ શું નાસ્તો લાવશે. મ્યુઝીક માં કયા ક્યા ગીતો વગાડીશું અને એના માટે જરૂરી તૈયારી, દોરી અને પતંગ કેટલા અને ક્યાં થી લાવીશું અને ગુજરાતી લોકો નું અત્યંત પ્રિય એવું ઊંધિયું અને જલેબી લાવીશું. બજાર માં પણ દિવાળી જેવો જ ઉમંગ જોવા મળે. ઠેર ઠેર પતંગ અને દોરી ની દુકાનો. પતંગ ના અનુભવી જોઈ ને પતંગ નક્કી કરે કે આ પતંગ ચડાવવામાં મજા આવશે. છોકરાઓ પણ મહિના પહેલા થી જાણે નેટ પ્રેક્ટિસ શરુ કરી દે ,શાળા એ થી આવી ને રોજ પતંગ ચડવવા જાય. મહિલાઓ તલ ની ચીક્કી, સિંગ ની ચીક્કી અને અન્ય નાસ્તા બનાવવામાં વ્યસ્ત થઇ જાય. જેમ દિવસો નજીક આવે તેમ જોશ અને ઉમંગ પણ એટલા જ વધે. આ મારો જ નહિ આપણા બધાનો અનુભવ છે.
ગઈ કાલે હું મારી નાની દીકરી લઇ ને ધાબા પર ગયો. સામે ના ધાબા પર કેટલાક નાના છોકરાઓ પતંગ ચડાવી રહ્યા હતા. એક છોકરા એ નજીક માં બેઠેલાં એમના વડીલ ને કહ્યું કે “દાદા અમારે પરીક્ષા માં મારો પ્રિય તહેવાર એવો નિબંધ આવે છે અને દાદા મારો પ્રિય તહેવાર તો ઉત્તરાયણ છે”. દાદા એમને ઉત્તરાયણ કેમ મનાવાય છે અને બીજું બધું સમજાવવા લાગ્યા.
એ વાતો ચાલતી હતી ત્યારે હું મારી નાની દીકરી ને લઇ ને ત્યાં ગયો અને કહ્યું કે “હું તમને બધા ને આજે ઉત્તરાયણ કેમ મનાવાય છે એ નહિ પણ આપણે આ તહેવાર માંથી જીવન માં શું શીખવું જોઈએ એના વિષે કહીશ”.
દાદા એ પણ કહ્યું “ડોક્ટર સાહેબ ખુબ સરસ લો, કેમ મનાવાય છે એ તો બધા ને ખબર જ હશે પણ આજે મને અને આ છોકરાઓ ને પણ કંઈક નવું જાણવા મળશે”.
આપણા જીવન માં તહેવાર નું ઘણું મહત્વ છે. તહેવાર આપણા બધા ને પુનઃ જીવન આપે છે. જો જીવન માં કદાચ તહેવાર ના હોય તો જીવન બહુ જ નીરસ બની જાય છે. જીવન ના આ સુંદર કાવ્ય માં તહેવાર એક નવો જ સુર પૂરે છે.
તહેવાર ના ધાર્મિક મહત્વ સિવાય તહેવાર આપણા ને ઘણું બધું શીખવાડે પણ છે.
ઉત્તરાયણ એ બધા નો મનગમતો તહેવાર છે. નાના થી લઇ ને મોટા બધા એમાં ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લે છે. મારી દ્રષ્ટી એ ઉત્તરાયણ જીવન સકારાત્મક રીતે જીવવા માટે જરૂરી દ્રષ્ટિકોણ આપે છે.
પતંગ ને ઉપર ચડવવા માટે જરૂરી છે યોગ્ય પદ્ધતિ, થોડો પુરુષાર્થ, દોરી અને પવન તેમજ જીવન માં પણ કોઈ પણ ક્ષેત્ર માં આગળ વધવા માટે આ જ વસ્તુઓ જરૂરી છે. યોગ્ય પદ્ધતિ થી મહેનત, પુરુષાર્થ, સતત એની પાછળ લાગ્યા રહેવું અને ભગવદ કૃપા. આ ચાર વસ્તુ હશે તો જીવન માં કોઈ પણ ક્ષેત્ર માં સફળતા મળે જ છે.
આપણી દ્રષ્ટી/ નજર સદાય ઉપર જ રહે એ શીખવાડે છે પતંગ. જીવન માં હંમેશા આપણું માથું ગર્વ થી ઊંચું રહે એ રીતે આપણું જીવન હોવું જોઈએ. આપણો લક્ષયાંક પણ હંમેશા ઉંચો હોવો જોઈએ.ગુજરાતી માં પણ એક કહેવત છે ને કે
“ નિશાન ચૂક માફ, પણ નહિ માફ નીચું નિશાન.”
પતંગ ચડાવવા માં જેમ આપણે પવન અને મહેનત ની મદદ થી પતંગ ને આપણે ચાહી એ ત્યાં લઇ જઈ શકીએ છીએ તેમજ ભગવદ કૃપા અને આપણા પુરુષાર્થ થી આપણે પણ આપણા ભાગ્ય ને બદલી શકીએ છીએ. આપણી જિંદગી ને એક નવી જ દિશા આપી શકીએ છીએ.
પેચ લડાવવા માં કયારેક આપણો પતંગ કપાય છે તો ક્યારેક આપણે બીજા નો પતંગ કાપીએ છીએ. તેમજ જીવન માં પણ સંઘર્ષ આવશે. તેમાં આપણી ક્યારેક જીત થશે તો ક્યારેક હાર પણ થશે. જયારે હાર થાય ત્યારે હતાશ થઇ ને બેસવું નહિ. જેમ એક પતંગ કપાઈ જાય તો આપણે બેસી જતા નથી પણ બીજો પતંગ ઉડાવવાની તૈયારી કરીએ છીએ.તેમજ હાર અને જીત પણ જીવન નો જ એક ભાગ છે તેથી હાર/ અસફળતા બાદ હતાશ થવા ને બદલે બીજા પડાવ ની તૈયારી શરુ કરો.
એક જ પતંગ આપણે આખો દિવસ નથી ઉડાવતા. આપણી પતંગ કપાઈ જાય ત્યારે કોઈ બીજો એને પકડી લે છે અને એ ચક્ર ચાલ્યા જ કરે છે. તેમ જીવન માં પણ કશુંજ શાશ્વત નથી, આજે આપણી પાસે છે એ કાયમ નથી પછી તે આપણી સંપતિ હોય કે સંબધો. ખરાબ સમય પણ આવશે અને જતો રહેશે. ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે સુખ અને દુ:ખ એ તો આવશે ને જશે જ.
પેચ લડાવવા માં પણ જેટલી દોરી મજબુત એટલી જ આપણા પતંગ કપાવવાના ચાન્સ ઓછા તેમ જીવન માં પણ કોઈ પણ ક્ષેત્ર માં આપણી તૈયારી જેટલી મજબુત એટલા જ સફળતા ના ચાન્સ વધારે. જેટલો પતંગ આકાશ માં ઉપર એટલા જ હરીફ ઓછા તેમજ જીવન માં જેટલા આપણે આગળ ઉપર હોઈ શું તેટલા જ હરીફ ઓછા.
જેમ ઉત્તરાયણ માં એક માણસ ફીરકી પકડે અને એક માણસ કિન્ના બાંધે અને આપણે પતંગ ચડાવીએ તેમ જ જીવન માં પણ જો આપણે એક ટીમ બનાવી ને કામ કરીએ તો આપણો તણાવ પણ ઓછો થાય, ઓછા સમય માં વધુ કામ થાય અને કામ કરવાની પણ મજા આવે અને સફળતા પણ મળી શકે.
કેટલું બધું શીખવાડે છે આ તહેવાર આપણા ને. આ બધું જો આપણે આપણા જીવન માં ઉતારી આચરણમાં મૂકીએ તો મને લાગે છે કે જીવન ધન્ય થઇ જાય. અને જીવન માં ક્યારેય નિરાશા નહિ આવે અને જીવન માં ફક્ત આનંદ જ રહે.
બસ પ્રભુ ને આપણે બધા સાથે રોજ એક પ્રાર્થના કરીએ
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःख भाग्भवेत्।
ऊँ शांतिः शांतिः शांतिः
આપનો અભિપ્રાય જરૂર થી શેર કરજો.
ગમે તો તમારા પરિવારજન અને મિત્રો સાથે શેર કરજો.
જમણી બાજુ નીચે આપણું ઈ મેલ આપી ,અમારા સભ્ય બનો.
સદા હસતા રહો. સુરક્ષિત રહો. સકારાત્મક રહો. આનંદિત રહો.
Very nice atricle…you change my way to see this festival….
Khub saras bhai…..✍️..??