
સાચો ધનવાન- ભાગ-૨
શુભ સવાર. ફરી એક વાર તમારા બધા નું ખુબ ખુબ સ્વાગત કરું છું.
સાચો ધનવાન ભાગ ૨ ની શરૂઆત કરીશું.
પહેલો બનાવ બન્યો એના ૩ દિવસ બાદ એક બીજા દર્દી અમારા દવાખાના માં આવ્યા.એક દમ શાંત અને ગાઢ ચિંતા માં ડૂબેલો એ ચહેરો આજે પણ યાદ કરું છું.એની પત્ની ને લઇ ને એ આવ્યો હતો. એની પત્ની ની ૨૬ વર્ષ ની નાની ઉમંર અને મોઢા ના સ્વાસ્થ્ય ની હાલત ખુબ જ ખરાબ હતી. એને સખત દુખાવો હતો. દર્દ થી એ રડી રહી હતી.એ ભાઈ મજદૂર હતો અને એનું પરિવાર રોજ ની આવક પર નભતું હતું.બહેન ને ૨ દિવસ થી દુખાવો હતો અને એટલો બધો હતો કે તે રોજ કામ પર જઈ શકે એમ નોહતી.મેં અને મારા પત્ની એ એમને તપાસ્યા અને જાણવા મળ્યું કે હાલત બહુ જ ખરાબ હતી. ઘણા બધા સડેલા દાંત, ઘણા બધા દાંત પડી ગયા પછી જે સડેલા મુળિયા રહી જાય તે, ઘણા બધા દાંત પડી ગયા હતા. મેં એના પતિ ને પરીસ્તીથી થી વાકેફ કર્યા અને કહ્યું કે તારી પત્ની ને હું લખી આપું ત્યાં લઇ જાઓ. હું એક ચિઠ્ઠી લખી આપીશ જેથી ખર્ચો ઓછો થઇ જશે. એને કહ્યું ના સાહેબ તમે જ સારવાર કરો. હું બધો ખર્ચો કરવા તૈયાર છું. તમારી ફી હું પુરેપુરી થોડાક હફ્તા માંચૂકવી દઈશ.
એના પત્ની માટે નો પ્રેમ એના માં આ જુસ્સો પેદા કરી રહ્યો હતો. લગ્ન વખતે લીધેલા સાત ફેરા ની જાણે એક એક કસમ એને યાદ છે અને એને નિભાવવાની એ પૂરી કોશિશ કરી રહ્યો હતો. ધન્યવાદ છે એને.
હું થોડી વાર તો એને જોઈજ જ રહ્યો.એક નજર એના ફાટેલા થીગડા મારેલા કપડા ઉપર ગઈ.એના નાના નાના છોકરાઓ પાસે પહેરવા માટે જૂતા પણ ન હતા.પરંતુ અચાનક જ મારા હર્દય માંથી એક જોરદાર ધબકાર થયો. જાણે મને કહી રહ્યો હોય કે આગળ વધ,આજ જ મોકો છે ઉપર વાળા ને ખુશ કરવાનો.એક સારું કામ કરવાની એ તને સામેથી તક આપી રહ્યો છે. મારી પત્ની એ મને સંપૂર્ણ સંમતિ આપી. અમે બંને હવે સંપૂર્ણ તૈયાર હતા. નક્કી કર્યું કે એમની પાસેથી એક પણ રૂપિયો લેવો નથી બસ દિલ થી સારી સારવાર કરીશું અને સાંજે ઘરે જઈ ને ભગવાન ની આંખ માં આંખ મિલાવી સ્મિત સાથે કેહ્શું જો પ્રભુ હું આજે તારું કામ કરી આવ્યો. મને તે જે શક્તિ આપી હતી ને એનો મેં આજે તારા માટે ખુબ સરસ ઉપયોગ કર્યો છે.ચાલો મને શાબાશી આપો.મને ગળે લગાવો.
અમે એને સંપૂર્ણ સારવાર ની સમજણ આપી અને ક્યારે અને કેટલી વાર આવું પડશે એની પણ સમજણ આપી. એને એની સમંતિની મોહર મારી દીધી.એક વાક્ય જે એને કહ્યું એને અમારા અંદર એક અજબ જ આત્મવિશ્વાસ જગાડી દીધો. “સાહેબ તમારા પર પૂર્ણ વિશ્વાસ છે. તમે જે કરશો તે સરસ જ કરશો. અમારા જેવા ગરીબ અભણ માણસ ને તો એટલું જ સમજાય.” જેમ અર્જુન એ શ્રીકૃષ્ણ સામે શિષ્યત્વ સ્વીકાર્યું હતું એમ જાણે બધું જ અમને સોપી દીધું. હવે તો બહુ મોટી જવાબદારી થઈ ગઈ હતી.
અમે તેને એ પણ જણાવી દીધું કે એને એક રૂપિયો પણ અમને આપવાનો નથી.
સારવાર નો પહેલો દિવસ પૂર્ણ થયો. બીજો દિવસ પૂર્ણ થયો અને એને અમને જતા પહેલા કહ્યું કે સાહેબ તમારી સંપૂર્ણ ફી હું ચૂકવી દઈશ. લગભગ ૭-૮ વિઝીટ અને ૧ મહિના માં એની પત્ની ની સારવાર પૂર્ણ થઇ. એકાદ અઠવાડિયું અમે ફોલોઅપ પણ લઇ લીધું.બધું બરાબર હતું. બહેન ને ખુબજ સારું હતું.
અમે કહ્યું કે બધું જ સરસ છે હવે આવવાની જરૂરત નહિ પડે. આગળ કહ્યું તેમ કંઇક સારું કામ કર્યા પછી જાણે તમને નવું જીવન મળ્યું એટલો આનંદ થાય છે એવો જ આનંદ આજે થતો હતો અમને.
આશરે ૩ મહિના વીતી ચુક્યા હતા આ વાતને. અમે અમારા દૈનિક કામકાજ માં વ્યસ્ત હતા.એક એવી વાત થઇ કે આપણે વિચારી પણ ના શકીએ. એ ભાઈ આવ્યો.બધી વાતો કરી એના પરિવાર ની.એને એક સરસ સમાચાર આપ્યા કે સાહેબ મારી એક મોટી કંપની માં સુપરવાઈઝર તરીકે ની નિમણુંક થઇ છે હમણાં મહિના પહેલા. બીજા આનંદ સમાચાર આપ્યા કે એની મોટી છોકરી એ એમ.બી.બી.એસ. માં સરકારી કોલેજ જામનગર માં પ્રવેશ મેળવ્યો છે.એની નાની દીકરી એ ધોરણ ૧૦ માં સારા માર્ક્સ લાવી છે. વાતો કરતા કરતા એને એક મોટી થેલી ભરી ને એકદમ તાજા શાકભાજી અમારી સામે મુક્યા. કહ્યું કે હું એક ખેડૂત ના ત્યાં જતો હતો એને મને આપ્યા હતા એ હું તમારા માટે લાવ્યો છું સાહેબ.એ એના ખિસ્સા માં કંઇક શોધી રહ્યો હતો અને થોડી જ વાર માં એને અમારી સામે ૩૦૦૦ રૂપિયા મુક્યા અને કહ્યું કે સાહેબ આ છે મારી પત્ની ની સારવાર નો પહેલો હફતો.
અમે અને પૂછ્યું કે અમે તો તને કશુંજ કહ્યું નથી.તો પછી તે કેવી રીતે અમારી ફી ગણી? એને કહું “સાહેબ અમે જેટલી વાર તમારા ત્યાં આવ્યા ત્યારે બહાર મારી સાથે બેઠેલા એક ભાઈ ને મેં પૂછ્યું કે સાહેબ ની ફી શું છે? અને બીજો બધો ખર્ચો.મેં એમને તમે લખી આપેલું બધું બતાવ્યું અને એમેની પાસે થી ગણતરી કરાવી લીધી. એમને મને કહ્યું કે લગભગ ૧૨૦૦૦ જેટલો ખર્ચ થાય.એમને પણ મને કહ્યું કે સાહેબ અને એમના પત્ની બહુ જ પ્રમાણિક છે લગભગ તમારા તો એટલા નહિ લે.”
એના આ જવાબ થી અમે થોડી વાર તો કંઇક જ બોલી શક્યા જ નહિ.
એને આગળ કહ્યું કે “હું થોડા સમય પહેલા હું ચૂકવી શકું તેમ નહતું.પરંતુ હમણાજ તમને કહ્યું તેમ મને સારી નોકરી મળી ગઈ ને મારો પગાર ૬૦૦૦ રૂપિયા નક્કી થયો છે. એટલે મેં અને મારી પત્ની એ નક્કી કર્યું કે હવે થોડા થોડા કરી ને ચુકવી દઈએ.” એના આ જવાબ અને એની લાગણી થી હું થોડા સમય માટે તો કંઈ જ બોલી ના શક્યો. હું બસ એને જોઈ જ રહ્યો. મારી પત્નીએ એને રૂપિયા પાછા આપી ને કહ્યું કે “તમે આ રૂપિયા તમારી દીકરીઓ ના સારા ભવિષ્ય માટે રાખજો. કોઈ પણ વ્યસન માં ના વેડફી નાંખતા.”
એને કહ્યું “સાહેબ હું જે દિવસે અહિયાં આવ્યો અને તમે મને કીધું કે તારે એક પણ રૂપિયો આપવાનો નથી એ જ સમય હું બધા વ્યસન નો ત્યાગ કરી ચુક્યો હતો.મારી જિંદગી હું એક નવી રીતે જીવવા લાગ્યો.”અમને ખુબજ સારું લાગ્યું. એનો હાથ પકડી ને મેં કીધું કે “તારા જેવા માણસો થી જ હજી માણસાઈ જીવિત રેહશે.”તારે ભવિષ્ય માં પણ કંઈ કામ હોય તો મને યાદ કરજે. એ એક સુંદર હાસ્ય સાથે અમને નમસ્કાર કરી ને વિદાય થયો.
આજે પણ એ અમને અવાર-નવાર મળવા આવે છે. એને કોઈ જ વ્યસન નથી. એની છોકરીઓ ને સારું ભણવવા માટે ખુબ જ મેહનત કરી રહ્યો છે. ચાલો હુ તમને એનું નામ પણ જણાવી દઉં ઉમેશભાઈ નામ છે એનું.
તો ચાલો હવે અંત તરફ જઈએ.નિર્યણ પણ કરીએ. સાચો ધનવાન કોણ?
પેહલા જે દર્દી આવ્યા એ સુખી સંપન્ન અને પૈસા ટકે સુખી માણસો હતા.એમને એમના ભોજન ની કોઈ ચિંતા કરવાની નહતી. એમને મને તાત્કાલિક સારવાર માટે કહ્યું હતું અને મારી ફરજ મુજબ મેં કર્યું.
બીજા દર્દી એક મજુર હતા.એમને સાંજે શું જમીશું અને કેમ કરીશું એની પણ ચિંતા હતી.એની સારવાર પણ વધારે ખર્ચાળ હતી.અમે તેને રૂપિયા ચૂકવવા માટે ક્યારેય કહ્યું નથી.એને કીધું હતું કે તારે એક પણ રૂપિયો આપવાનો નથી. તોપણ એને બહાર બેઠેલા બીજા દર્દી પાસેથી અમારા થતા ખર્ચા ની જાણ મેળવી લીધી એને અમારા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. ૩ મહિના પછી એ ફક્ત રૂપિયા જ નહિ એકદમ તાજા શાકભાજી ની થેલી પણ લઇ ને આવ્યોઅને એની બધી લાગણીઓ અમારા પર ઠાલવી દીધી.
મારા મત મુજબ તો આજ જ સાચો ધનવાન.એની પાસે કશું જ નહતું છતાં સાચા હર્દય થી આપવાની ભાવના હતી. આવા જ લોકો મને સારું કરતા રેહવા માટે નું જરૂરી મનોબળ પૂરું પાડે છે એને આમરી યાદો ને અવિસ્મરણીય બનાવી દે છે.
મેં આગળ ના ભાગ માં શ્રીમંત શબ્દ કેમ ના પસંદ કર્યો એનું કારણ છે શ્રીમંત અને ધનવાન બંને ખુબ જ જુદા શબ્દો છે. શ્રીમંત માણસ ફક્ત રૂપિયા થી જ નહિ એના વિચારો, એનું આચરણ, એના સ્વભાવ,એના જ્ઞાન થી બને છે. ખુબ રૂપિયા હોવા છતાં જો સારા કામ માં ના વપરાય તો એને લક્ષ્મી નહિ પરંતુ ફક્ત લોખંડ અંને કાગળ જ કહી શકાય. શ્રીમંત તો હું ઉમેશ ને કહીશ.
આજે પણ જયારે આ અંત લખું છું ત્યારે મને એનો એ નિખાલસ ચહેરો દેખાય છે. મને સારું પણ ખુબ લાગે છે અને હું ખુબ જ ભાવવિભોર પણ થઇ જાઉં છું. ઉમેશ ના લીધે જ મેં આને મારો સૌથી સારો અનુભવ ગણાવ્યો છે.
તમારા અભિપ્રાય જરૂર થી નીચે લખો. તમારો મત જરૂર થી જણાવો. સાચો ધનવાન કોણ?
ગમે તો મિત્રો અને પરિવાર સાથે માણો.
સદા હસતા રહો.સુરક્ષિત રહો. સકારાત્મક રહો.આનંદિત રહો.