જરૂર છે આપણા વિચારો ને બદલવાની- આવો સાથે મળીને આગળ વધીએ

જરૂર છે આપણા વિચારો ને બદલવાની- આવો સાથે મળીને આગળ વધીએ

21st June 2019 2 By Dr.Viral Shah

આજે એક દુ:ખદ ઘટના ની વાત કરવાની છે. આજે આ લેખ હું ડોક્ટર્સ માટે લખી રહ્યો છું. છેલ્લા કેટલા સમય થી ડોક્ટર પર જે હુમલા થાય છે તેને ગંભીરતા થી લેવાનો સમય આવી ગયો છે.

આ વિષય ને ફક્ત થોડા દિવસ ના સમાચાર માની ને ભૂલી જવાય તેમ નથી. કલકત્તા નો મોટો કિસ્સો સામે આવ્યો છે પરંતુ કેટલીય જગ્યા એ આવા નાના કિસ્સાઓ તો ચાલતા જ રહેતા હશે. કેટલાક સામે આવે છે તો કેટલાક સમય સાથે ભુલાઈ જાય છે.

આવા બનાવો બનવા પાછળ નું શું કારણ હોઈ શકે?

કારણો અનેક છે પરંતુ એક કારણ જે મને લાગે છે તે એ છે કે આપણા સૌની ડોક્ટર માટે બંધાઈ ગયેલી ખોટી ગ્રંથી. જેમ કે ડોકટરો તો ચોર છે. ડોક્ટર તો બધા બોલે રાખે. કોઈ પણ ડોકટર પર વિશ્વાસ તો જ ના રખાય. ડોક્ટર આવ્યા ત્યારે એમની પાસે કઈ જ નહતું પણ હવે એમની પાસે મોટો બંગલો છે, ૨ તો ગાડી છે. મારું કહેવું એમ છે કે દરેક માણસ એના જીવન માં પ્રગતિ કરે છે. તો ડોકટર કરે તો શું એ ચોર જ હોય?

કોઈક મોટી હોસ્પિટલ જોઈશું તો કહીશું કે આવડી મોટી હોસ્પિટલ હોય તો લુંટે ને જ પછી.

આવા અનેક કારણો. જો સેવા સારી ના મળે તો ગાળો અને જો સારી સેવા આપવા માટે પૈસા ખરચવા પડે તો પણ દોષ ડોક્ટર નો જ.

આપણે બધા પાછળ પાણી ની જેમ રૂપિયા ખર્ચી શકીએ છીએ પરંતુ જ્યાં વાત આપણા આરોગ્ય ની આવે કે આપણે બહુ વિચારીએ છીએ. ૩૦૦૦૦ નો મોબાઈલ આપણે હફ્તે થી પણ લઇ લઈએ છીએ પરંતુ જયારે આપણા આરોગ્ય ની વાત આવે ત્યારે આપણે કશું જ વિચારતા નથી. બસ ડોક્ટર ચોર છે એમ જ કહી ને  બેસી જઈએ છીએ.

એક વાત સ્વીકારી લો કે આપણું આરોગ્ય આપણા જ હાથ માં છે.એના માટે કોઈ જવાબદાર નથી. શું તમે ૩૦ વર્ષ ની ઉમર બાદ દર વર્ષે પોતાનું હેલ્થ ચેક અપ કરવો છો?

શું પોતાના ખોરાક અને સારી વસ્તુઓ ખાવા પર ધ્યાન આપો છો?

શું રોજ કસરત અને યોગાસન કે બીજી કોઈ પણ આરોગ્ય ને લગતી પ્રવૃત્તિ કરો છો?

આપ સૌ જાણો છો કે તંબાકુ અને દારુ નું સેવન આપણા આરોગ્ય માટે સારું નથી તો પણ શું આપ એની છોડી શકો છો?

જો જવાબ ના હોય તો પછી ડોક્ટર ને કે બીજા ને દોષ આપવાનો બંધ કરી દો. કહેવત છે ને કે “પહેલું સુખ તે જાતે નર્યા.”

અને આવા અનેક પ્રસંગો બાદ આપણી અંદર જે ગુસ્સો હોય છે તે આવા બનાવો દ્વારા બહાર આવે છે. જો તમને કોઈ તમારા ધંધા માં કે નોકરી માં ચોર કહશે અને માર પીટ કરશે તો તમે શું કરશો? તમે સારું કામ કરી રહ્યા છો તો પણ તમે શું કરી રહ્યા છો અને તમે તો બિલકુલ આળસુ છો એવું જયારે કહેશે ત્યારે તમે શું કરશો?

ડોક્ટર ના માથે દર્દી ને સારું કરવાનું દબાણ, દર્દીઓ ના સગાઓ ને સાંભળવાનું દબાણ, સરકાર ને જવાબ આપવાનું દબાણ, ટી.વી રીપોર્ટર અને છાપા વાળાઓ નું દબાણ. કેટલો સ્ટ્રેસ અને તો પણ સેવા તો સારી જ આપવાની. ભૂલ તો બિલકુલ કરવાની જ નહિ. દુનિયા માં એવો કોઈ માણસ હશે કે જેને ક્યારેય એના જીવન માં કોઈ જ ભૂલ ન કરી હોય અને શીખ્યો હોય? માણસ માત્ર ભૂલ ને પાત્ર. અને બીજી વાત જીવન ને મરણ એ તો ભગવાન ના હાથ માં છે ડોક્ટર કોઈ ને મારે છે એ વાત બિલકુલ સાચી નથી. હા જીવન આપવાની કોશિશ જરૂર કરે છે. સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્નો. પરંતુ જો એ સફળ ના થાય તો બદલા માં એને શું મળે છે ? લોકો ની ગાળો, માર અને ઘાવ.

આપ જે લોકો પણ આ લેખ વાંચી રહ્યા છો તો લોકો ને હું વિનંતી કરું છું કે આવો આપણે આપણા વિચારો ને બદલીએ. સારું અને સકારાત્મક જોવની ટેવ પાડીએ. ડોક્ટર ઉપર ભરોષો કરીએ. ગુગલ ઉપર નહિ. ડોક્ટર ની મદદ કરીએ ના કે એમની પર હાથ ઉપાડીએ. બીજા ને માટે નિર્ણયાત્મક બનવાનું છોડી દઈ કે આ એટલો આવો જ. મનુષ્ય જાતિ માં આપણે બધાએ સહિયારા અભિગમ થી ચાલવું પડશે. દરેક ને એક બીજા ની જરૂર પડવાની છે. ડોક્ટર ઉપર થતા આ હુમલા ઓ ને રોકવામાં એમની મદદ કરીએ. કયારેક ને કયારેક જીવન ના કોઈ એક તબ્બકે કોઈ ડોક્ટર એ તો તમારી મદદ કરી જ હશે તમારું દર્દ દૂર કરવામાં તમને નવું જીવન આપવામાં.

ડો વિરલ શાહ – for medical community

આ લેખ સાથે હું એક સુંદર લેખ -ડૉ. નિમિત્ત ઓઝા દ્વારા લાખયેલ, આપ લોકો સાથે શેર કરું છું. જરૂર વાંચજો અને શેર કરજો.અંત માં મારા દ્વારા બનાવેલ એક બહુજ જરૂરી વિડીઓ પણ છે જેને જોવાનું ભૂલશો નહિ.

અમૂક ઘાવ એવા હોય છે જે ફક્ત સહાનુભૂતિની ફૂંક મારવાથી રુઝાવાના નથી. વાવાઝોડાની આગાહીથી લઈને વર્લ્ડકપમાં પડી રહેલા વરસાદ સુધી દરેક વિષય પર રમૂજ કરનારા, અલગ અલગ મીમ્સ બનાવનારા અને ૨૪ કલાક સોશિયલ મીડિયાનો યુઝ કરનારા સમાજને એ વાતની જાણ થવી જરૂરી છે કે તેમની આસપાસ કેટલીક ગંભીર ઘટનાઓ પણ આકાર લઈ રહી છે.

બાળકીઓ સાથે થયેલા બળાત્કાર અને સૂરતમાં થયેલી આગની દુર્ઘટના માટે આ સમાજે, સમાજના અગ્રણીઓએ અને સોશિયલ મીડિયાએ કરેલી ટીકાઓનો સ્ટોક ખાલી ન થઈ ગયો હોય, તો ફરી એકવાર સમય આવ્યો છે જ્યારે આ સમાજે સ્ટેન્ડ લેવું પડશે. કારણકે કોલકતામાં એક યુવાન તબીબ સાથે થયેલી ઘટનાને હું રાષ્ટ્રીય ચિંતાનો વિષય માનુ છું.

ગંભીર બીમારીથી પીડાતા એક ૮૫ વર્ષના વડીલનું સારવાર દરમિયાન મૃત્યુ થાય અને આ મૃત્યુ માટે ઇન્ટર્ન ડોક્ટર જવાબદાર હોય એ રીતે 200 જેટલા લોકો નું ટોળું આવીને ડ્યૂટી પરના ડોક્ટર ને મારે. જેમાં પરિબાહા નામના એક ડોક્ટરને એટલી બધી ગંભીર ઈજાઓ થાય કે તેની હાલત ક્રીટીકલ થઈ જાય.

ટીકટોક વાપરતી, ગેમ ઓફ થોર્ન્સ રમતી, યુ-ટ્યુબ પર વિડિયોઝ અપલોડ કરતી અને જાત જાતની એપ્સ ડાઉનલોડ કરતી આજની પેઢીને આપણે સ્માર્ટ ગણતા હોઈએ તો ‘કોઈનો જીવ બચાવી ન શકવો’ અને ‘કોઈનો જીવ લઈ લેવો’ આ બે વચ્ચેનો તફાવત આ સ્માર્ટ ગણાતી પેઢીને ખબર હોવો જોઈએ.

હ્રદયનું બંધ પડી જવું એ કુદરતી ઘટના છે. આ કુદરતી ઘટનાને અટકાવવા માટે, આ કુદરતી ઘટનાની વિરુદ્ધમાં કામ કરતા માનવસર્જિત, મહેનતુ, નોલેજેબલ, ડેડીકેટેડ અને છતાં સાવ પામર જીવો એટલે ડોક્ટરો. વાવાઝોડા સામે આગાહીઓ હોવા છતાં પણ અને તકેદારીના પગલા લીધેલા હોવા છતાં પણ ક્યારેક જાનહાની નથી અટકાવી શકાતી એમ મેડીકલ સાયન્સમાં પણ કેટલીક બીમારીઓ, કેટલીક પરીસ્થિતિઓ અમારી જાણમાં અને અમારી સારવાર હેઠળ હોવા છતાં પણ અમારા કાબુ બહાર હોય છે. અમે ડોક્ટરો મશીન સાથે નહીં, ધબકતા માનવ શરીર સાથે કામ કરતા હોઈએ છીએ. મેડીકલ સાયન્સમાં એક વત્તા એક બે ક્યારેય નથી થતા. આ સમાજના મોટા ભાગના લોકોના વર્તનની જેમ હ્યુમન બોડી પણ ‘અનપ્રેડીક્ટીબલ’ હોય છે.

અમને લડવાનું શીખવવામાં આવે છે. દર્દીના છેલ્લા શ્વાસ સુધી અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીએ છીએ. દરેક મેચમાં જીતવાની બાહેંધરી તો વર્લ્ડ ચેમ્પીયન ટીમ પણ નથી આપી શક્તી અને અમારી લડાઈ તો એક એવા પરિબળ સામે છે જે દેખાતો પણ નથી અને છતાં તમારા પર વાર કરે છે. તમારા શરીર પણ એણે કરેલા વારનો બદલો, તમારી સામે રહેલા અને તમને મદદ કરનારા ડોક્ટરો સાથે લેવાનો હોય તો એ દિવસ દૂર નથી જ્યારે ‘ક્રીટીકલ કેસ’ની સારવાર કરાવવા કોઈપણ ડોક્ટર તમને મંદિરે જવાની સલાહ આપશે. આપણા દેશની એ સૌથી મોટી કમનસીબી છે કે કેદારનાથ જતી વખતે શ્રદ્ધાને કારણે થયેલું મૃત્યુ આપણને મંજૂર હોય છે પરંતુ સારવાર દરમિયાન થયેલું મૃત્યુ નહીં કારણકે મનુષ્યો ઉપરથી આપણને વિશ્વાસ ઉઠવા લાગ્યો છે.

આપણા દેશમાં ગુનેગારને પણ પોતાની વાત રજૂ કરવાનો ચાન્સ મળે છે. ખૂનના આરોપીની સજા પણ અદાલત નક્કી કરતી હોય છે, ૨૦૦ લોકોનું ટોળું નહીં. તો પછી કોઈનો જીવ બચાવવાનો ‘પ્રયત્ન’ કરનારા નિર્દોષ લોકો સામેનો અત્યાચાર આ સમાજ ક્યાં સુધી જોયા કરશે ?

ડોક્ટરોની કટોકટીના આ સમયે જો આ સમાજ અમારી સાથે રહેશે, તો એટલીસ્ટ અમને એક વાતનો સંતોષ તો રહેશે કે પત્નીને વાવાઝોડા સાથે સરખાવતા અને વરસાદની મોસમમાં ભજીયાના મેસેજીસ ફોરવર્ડ કરતા સમાજમાં હજુ પોતાના સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે થોડીઘણી સંવેદનાઓ બચી છે.

-ડૉ. નિમિત્ત ઓઝા (On behalf of entire medical fraternity)

8230cookie-checkજરૂર છે આપણા વિચારો ને બદલવાની- આવો સાથે મળીને આગળ વધીએ

How useful was this post?

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 4

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?